Friday, June 7, 2013

how to live a very happy marriage life ? - Self-appraisal

સુખ- શાંતિમય સહજીવન જીવવાની અપેક્ષા રાખતા દરેક યુગલે સમયાંતરે

નિયમિત રીતે પોતાના સંબંધોનું સ્વ-મૂલ્યાંકન કરતા રહેવું જોઈએ



- સંબંધના પૃથક્કરણથી માંડીને મજબૂતાઈ વધારવાના કોઈ પણ પ્રયત્નોમાં આવતા અવરોધોમાં એક સૌથી મોટો અવરોધ એ હોય છે કે સાથી આ પ્રયત્નોમાં સહકાર ના આપે !

સમયની સાથે સંબંધોના સમીકરણ સતત બદલાતા રહ્યા છે પરંતુ સંબંધો સાથે સંકળાયેલી મૂળભૂત બાબતો તો એની એ જ રહી છે. કોઈ પણ સમયે સ્ત્રી-પુરુષના સંબંધોના મૂળભૂત ઘટકો પણ એના એ જ રહ્યા છે. આપણે આ મૂળભૂત ઘટકોની વ્યવહારમાં અગત્યની હોય તેવી વાતો કરી. હવે સમય છે આ ઘટકોના સંદર્ભમાં તમારા પોતાના સંબંધોને તપાસવાનો. તંદુરસ્ત જીવવાની ઇચ્છા ધરાવનાર દરેક વ્યક્તિએ જેમ નિયમિત 'હેલ્થ ચેકઅપ' કરાવવું જરૃરી છે તેમ સુખ-શાંતિમય સહજીવનની અપેક્ષા રાખતા દરેક યુગલે સમયાંતરે નિયમિત રીતે પોતાના સંબંધમાં આ ઘટકોનું સ્વ-મૂલ્યાંકન કરતા રહેવું જોઈએ. સંબંધોની મજબૂતાઈ માટે આ ખૂબ જરૃરી છે. આ સ્વ-મૂલ્યાંકન સંબંધમા તમારી તાકાત અને નબળાઈઓથી તમને વાકેફ કરે છે જેના આધારે બંને સાથી સહિયારો પ્રયત્ન કરીને સહજીવનને વધુ અર્થપૂર્ણ બનાવી શકે છે.

સંબંધની સ્વસ્થતા ચકાસતું આ મૂલ્યાંકન કરવું કેવી રીતે ?! સરળ છે, મૂલ્યાંકન માટે બંને પક્ષે પ્રયત્ન અને પ્રામાણિકતા અનિવાર્ય છે. ત્યારબાદ; નબળાઈઓ દૂર કરવાની દિશામાં આગળ વધવા માટે ખુલ્લાપણું (ઓપનનેસ), નબળાઈઓથી ઊભી થતી નાની- મોટી સમસ્યાઓની સ્વીકૃતિ અને ઉકેલ માટે સહિયારો પ્રયત્ન જરૃરી છે. કરવાનું એટલું છે કે કાગળ- પેન લો. તેના ઉપર આપણે સંબંધોના જે મૂળભૂત ઘટકોની ચર્ચા કરી તેને તમારા સ્વ-મૂલ્યાંકન પ્રમાણે ખૂબ સંતોષજનક, સંતોષજનક, તટસ્થ, અસંતોષજનક અને ખૂબ અસંતોષજનક એમ પાંચ પૈકી એક તરીકે મૂલવવાની છે. એ પહેલા ફરી એકવાર આ ઘટકોની યાદ અપાવી દઉં ?! આ ઘટકો એટલે એકબીજા પ્રત્યેનો લગાવ, વિવિધ સ્તરે મુદ્દે- કોમ્પેટેબીલીટી (વ્યક્તિત્વ, સંવાદ, કૌટુંબિક, શારીરિક, આર્થિક, શૈક્ષણિક, તથા અંગત એમ જુદા જુદા સ્તરે અને શારીરિક, માનસિક, લાગણીઓ, સામાજિક અને અધ્યાત્મિક મુદ્દે), ઇન્ટીમસી (વિવિધ સ્તરે અનુભવાતી નિકટતા), 'પ્રતિબદ્ધતા' એટલે કે કમિટમેન્ટ, 'કોમ્યુનિકેશન' વગેરે તે ઉપરાંત રોજિંદી બાબતો પ્રત્યે સાથીઓની માન્યતા, ફિલસૂફી, વિચારધારા, લાગણીઓ, અભિગમ, નૈતિક મૂલ્યો, અંગત જીવનના ધ્યેય વગેરેનો સમાવેશ પણ આ મૂલ્યાંકનમાં કરવો પડે.

ખૂબ સંતોષજનક એટલે એવી બાબતો કે જેમાં તમે બંને વચ્ચે અત્યંત મનમેળ હોય, જે દિશામાં તમે એક યુગલ તરીકે વિચારી શકતા હોવ અને એકબીજાને મદદરૃપ એવો સહિયારો અભિગમ અપનાવી શકતા હોવ. જેના કારણે તમે એકબીજાની અત્યંત નિકટ હોવ. સંતોષજનક એટલે નાની નાની ખટપટ, અવગણી શકાય તેવા સાવ નજીવા મતભેદો સિવાય ધ્યાનમાં લેવા જેવું ખાસ કંઈ નહિ, તટસ્થ એટલે એવી બાબતો કે એવા ઘટકો કે જેમાં સમસ્યાઓ ખરી પરંતુ કોઈ ગંભીર બાબતો નહિ, હુંસાતુંસી ખરી લાંબા- મોટા ઝઘડા નહી, મતભેદો ખરા પણ મનભેદ સુધીના નહીં, અસંતોષ એટલે યુગલ વચ્ચે નિયમિતરૃપે સમસ્યાઓ સર્જતી બાબતો, લગભગ રોજિંદા કહી શકાય તેવા પ્રશ્નો અને તેમાંથી ઉત્પન્ન થતો રહેતો અસંતોષ. ખૂબ અસંતોષજનક એટલે સહજીવનમાં ગંભીર પ્રશ્નો ઉભા કરતી બાબતો, સતત કંકાશમય અને કડવાશભર્યું સહજીવન બંને સાથીઓએ અલગ બેસીને પૂરતો સમય લઈને (એક બેઠકે જ કરવું જરૃરી નથી) પરંતુ પ્રમાણિકતાપૂર્વક વિચારીને આ મૂલ્યાંકન કરવું જોઈએ. ત્યારબાદ એક સમય નક્કી કરીને બંનેએ સાથે બેસીને એક પછી એક મુદ્દે એકબીજાના મૂલ્યાંકન અંગે ચર્ચા કરી સંબંધની મંજબૂતાઈ (સ્ટ્રેન્થ) અને નબળાઈ (વીકનેસ) અંગે જાગૃતિ કેળવી શકાય છે. સરવાળે, સંબંધમાં તમારા મજબૂત પાસાઓને વધુ મજબૂત કરવાનો અને તેનો ઉપયોગ તમારી નબળાઈઓને દૂર કરવા માટે સંનિષ્ઠ પ્રયત્નો કરવાનો અભિગમ સહજીવન સુખ- શાંતિમય અને વધુ અર્થપૂર્ણ બનાવી શકે છે.

સંબંધના પૃથક્કરણથી માંડીને મજબૂતાઈ વધારવાના કોઈ પણ પ્રયત્નોમાં આવતા અવરોધોમાંથી એક સૌથી મોટો અવરોધ એ હોય છે કે સાથી સહકાર ના આપે ! તેને એમ લાગે કે આવી કોઈ જરૃર નથી, જે સુધારો કરવાનો છે એ સાથીએ કરવાનો છે. હવે આમાં કાંઈ થઈ શકે તેમ નથી જે છે તે આ છે, મને રસ જ નથી. સાથીની માનસિકતા છે બાકી કોઈ સમસ્યા જ નથી વગેરે માન્યતાઓ તેના સહકારની આડે આવે. નિરાશ થવાની જરૃર નથી. જો તમે માનસિક શાંતિ મેળવવા માંગતા હોવ તો એકતરફી પ્રયત્ન પણ કામ આવી શકે. તમે તમારું મૂલ્યાંકન કરી અને તમારી નબળાઈઓ ઉપર કામ કરો. સહજીવનમાં ઘર્ષણ ચોક્કસ ઘટશે અને ભલું હશે તો તમારા બદલાયેલા વ્યવહારને કારણે સાથીનો વ્યવહાર આપોઆપ બદલાશે. હા, સાથીના સહકારથી આ બદલાવ સરળતા અને સહજતાથી આવે પણ એકતરફી પ્રયત્નોમાં બદલાવ માટેનું મનોબળ સાથીના સહકારથી આ બદલાવ સરળતા અને સહજતાથી આવે પણ એકતરફી પ્રયત્નમાં બદલાવ માટેનું મનોબળ ટકાવી રાખવું પડે છે.

ઘણા યુગલોની સમસ્યા તો એવી વિકટ હોય છે કે સાથે બેસીને ચર્ચા જ ના કરી શકતા હોય ત્યાં મૂલ્યાંકન પૃથક્કરણ જેવી અઘરી વાતો કેવી રીતે કરાય? એમાં ઝઘડો થઈ જાય ! આવા કિસ્સામાં નિષ્ણાતની સલાહ લેવી જરૃરી બની જાય.

પૂર્ણવિરામ
સંબંધ મજબૂત છે તેવું માનવા કરતા સંબંધ મજબૂત છે તેવું અનુભવવું વધુ જરૃરી છે.