Wednesday, September 4, 2013

how to live a very happy marriage life ? - accepting partner as she/he is...

એકબીજાના મિત્ર થવું એ લાગણીઓ ઉપર નહીં પરંતુ પરસ્પર

સન્માન અને જવાબદારીની ભાવના ઉપર આધારિત છે



- સહજીવનની મજબૂતાઇ માટે માત્ર પ્રેમ ઉપર આધાર રાખી શકાય એમ નથી પોતાનો સંબંધ વધુ મજબૂત અને સુખી બનાવી શકે તેવી અન્ય બાબતો અંગે વિચારવું પણ જરૃરી છે


'હું તને પ્રેમ કરું છુ'એ લાગણીઓથી છલોછલ એકરાર છે અને 'તુ જેવો (જેવી) છુ તેવો (તેવી) મને ગમે છે'એ સમજદારીપૂર્વકના સહજીવનમાંથી જન્મેલો ખ્યાલ છે. સાથીને પ્રેમ કરતા હોઇએ એટલે આપોઆપ જેવો છે તેવો ચાહવા માંડીએ એ શક્ય નથી.વ્યવહારમાં તો ઉલટું બને છે, પ્રેમ એટલે જેવો છે તેવો ચાહવાને બદલે તેની ઉપર હક ધરાવીને આપણી જરૃરીયાત કે પસંદગી પ્રમાણે બદલવા સંઘર્ષ કરીએ છીએ! ઘણા યુગલો તો એકબીજા ઉપર'જો તું' મને પ્રેમ કરતો (કરતી) હોય તો' નો પોતાની રીતે ઇચ્છનીય બદલાવ લાવવાના શસ્ત્ર તરીકે ઉપયોગ કરતા હોય છે.મસમોટું સત્ય તો એ છે કે મજબુત અને સુખમય સંબંધો માટે પોતાની જાતને ચાહવી જેટલી જરૃરી છે એટલી જ કે એથી'ય વધારે સાથી જેવો છે તેવો ચાહવા યોગ્ય છે તેવી સમજ અગત્યની છે. મહત્વની વાત એ છે કે પ્રેમ તો ઘાસની જેમ આપોઆપ અને રાતોરાત કુટી નીકળે શકે છે પરંતુ આ સમજ તો સંભાળપૂર્વક વાવીને ઉછેરવી પડે છે.


પ્રેમ કરતા શીખવું ના પડે પરંતુ સાથીને જેવો છે તેવો ચાહવા માટે તો અમુક પાયાની સમજ કેળવવી પડે.પ્રાણીઓને કુદરતે અનેક લાગણીઓ આપે છે. આ લાગણીઓનો મુળ ગુણધર્મ ચઢ- ઉતરનો છે, એટલે કે તે સ્થિર નથી. કોઇપણ લાગણી શાશ્વત નથી, પરંતુ ઘડીયાળના લોલકની જેમ એક સીમામાં ઉપર- નીચે થયા કરે છે.કોઇપણ લાગણીની દિશા, પ્રમાણ, તીવ્રતા, અનુભૂતિ વગેરે કશું'ય સ્થિર નથી. તે વ્યક્તિ, સમય, સંજોગ, મનની સ્થિતિ વગેરે પ્રમાણે બદલાતી રહે છે. પ્રેમ પણ આ લાગણીઓના સમુહ પૈકી એક લાગણી છે અને તે પણ લાગણીઓના આ ગુણધર્મને અનુસરે તે સહજ કુદરતી છે. પરિણામે , તેમાં ચઢાવ- ઉતાર આવવા સામાન્ય છે. એનો અર્થ એ થયો કે તમે કોઇના'ય પ્રત્યે પ્રેમની લાગણીઓ ધરાવતા હોવ અને તે ગમે તેટલી મજબુત, એકધારી કે પવિત્ર (જે વિશેષણો આપવા હોય તે) હોય તેમ છતાં'ય તે એકધારી કે એકસરખી રહે તે જ્યાર'ય શક્ય નથી. પહેલા તબ્બકે યુગલો કે પ્રેમીઓને સહેજપણ ના ગમે તેવી વાતો થાય છે પરંતુ સમય અને સહજીવન સાથે ડહાપણ બની જશે તે નક્કી છે. જીવનમાં એકવાર આ ડહાપણ આવી જાય તે ખૂબ જરૃરી છે. કારણ કે, જ્યારે યુગલ એવું સ્વીકારતું થાય કે સાથે જીવવા માટે અને સહજીવની મજબુતી માટે માત્ર પ્રેમ ઉપર આધાર રાખી શકાય એમ નથી ત્યારે તે પોતાના સંબધને વધુ મજબુત અને સુખી બનાવી શકે તેવી બાબતો અંગે વિચારતા કે ધ્યાન કેન્દ્રીત કરતાં થાય. એવી બાબતો કે જે સાચા અર્થમાં અવિચલિત હોય, સ્થિર હોય અને સમયની સાથે પણ બાત ભીડી શકે! સંબંધમાં જે કામ લાગણીઓ નથી કરતી તે કામ આ સમજ કરી જાય છે.

ક્યારેય વિચાર્યું કે આપણે 'પ્રેમ- સંબધ કે લગ્ન સંબંધ 'કરતા 'દોસ્તી'ને કેમ મહત્વની ગણતા હોઇએ છીએ? આ બાબતમાં મારી સ્પષ્ટ સમજ એટલી એ કે પ્રેમ- સંબધ કે લગ્ન સંબંધ મહદઅંશે એકબીજા પરત્વેની પ્રેમની લાગણીઓ ઉપર ઊભો હોય છે જ્યારે દોસ્તીનો સંબંધ લાગણીઓ કરતાં એક બીજા માટે કોઇપણ સંજોગમાં ઉપલબ્ધ હોવાની પરસ્પર જવાબદારીની ભાવના ઉપર ઉભો હોય છે. સ્વાભાવિક છે, પ્રેમ- સંબંધો કે લગ્ન સંબંધોનો મૂળ આધાર જ સ્થિર નથી ત્યાં સંબંધ કેવીરીતે સ્થિર અને મજબૂત રહે?! પ્રેમ અપેક્ષાઓને જન્મ આપે છે જ્યારે જવાબદારી ફરજને જન્મ આપે છે. અપેક્ષાઓ પૂરી કરવા કરતાં ફરજ નિભાવતી ઓછી સંઘર્ષમય હોય છે. પરિણામે દોસ્તીમાં સંઘર્ષ હોછો હોય!

હવે મજાની વાત , વર્ષોના મારા અનુભવમાં મેં તમાચો મારીને ગાલ લાલ રાખીને ફરતા અસંખ્ય યુગલો જોયા છે. આ યુગલો એકબીજાના મિત્રો હોવાનું દાવો અને વર્તન બધાની સામે કરતા હોય છે પરંતુ તેમના બેડરૃમમાં જોઇ શકો તો ખબર પડે કે તેમના ગાલ પોતાના તમાચો કારણે લાલ નથી હોતા પણ એકબીજાએ મારેલા તમાચોને કારણે લાલ હોય છે! (ના સમજ્યા હોવ તો ફરી વાંચો!!) માત્ર પ્રેમ હોવાથી સંબંધ મૈત્રીપૂર્ણ નથી થઇ જતો, એકબીજાના મિત્ર થવું એ લાગણી ઉપર આધારિત નથી પરંતુ લાગણીઓથી અલગ અળગી પરસ્પર સન્માન અને જવાબદારીની ભાવના ઉપર આધારીત છે. જો સહજીવનમાં પ્રેમની લાગણીઓથી આગળ વધીને આ સમજ વિકસાવી શકો તો જાહેરમાં તમે એક બીજાના મિત્રો છો એવો દાવો કરતાં ફરતું નહિ પડે.

સો વાતની એક વાત, જાતને ચાહ્યા વગર અન્યને ચાહવું શક્ય નથી અને અન્યને જેવો (જેવી) છે તેવો ચાહ્યા વગર સુખી સહજીવન શક્ય નથી. ટ્રાફિકમાં આપણે કોઇ અન્ય ડ્રાઇવરને આપણા ડ્રાઇવિંગથી સસડાવી દઇએ પછી છાનામાના એના રિએક્શન 'રીઅર મિરર'માં જોતા હોઇએ છીએ. જો તે ડ્રાઇવર ગુસ્સો કરે તો આપણી ભૂલ હોવા છંતા'ય આપણે સામા ઘૂરકિયા કરીએ છીએ પણ જો એ ડ્રાઇવર આપણેને 'સ્માઇલ'આપે તો શક્ય છે આપણે શરમ અનુભવીએ. બસ, આ જ રીતે દરેક વ્યક્તિને પોતાના અવગુણો કે ના ચાહી શકાય તેવી બાબતો ખબર જ હોય, જ્યારે આપણે સતત એના ઉપર ધ્યાન દોરીને સુધારવાનો પ્રયન્ત કરીએ ત્યારે એ વ્યક્તિ ઘુરકિયા કરે છે પરંતુ તેને સ્વીકારી લઇએ તો કદાચ આપમેળે બદલાવા પણ માંડે! આ બધું જાણે કે બરાબર સાથીને જેવો છે તેવો ચાહવા યોગ્ય છે તેવી સમજ કેવી રીતે વિકસાવી શકાય?!! આવતા સપ્તાહે.....

દોસ્તી કરતાં લગ્ન સંબંધો વધુ તનાવગ્રસ્ત હોય છે. કારણ કે, આપણે દોસ્ત જેવો છે તેવો સહજતાથી સ્વીકારી લેતા હોઇએ છીએ પરંતુ સાથીને તો પોતાની ઇચ્છા અનુસાર બદલવા સતત પ્રયન્તશીલ રહેતા હોઇએ છીએ.

3 comments:

Praveen said...

In english buddy... looks like you must have written very significant.. :)

Praveen said...

In english buddy... looks like you must have written very significant.. :)

Praveen said...

In english buddy... looks like you must have written very significant.. :)