Friday, April 26, 2013

how to live a very happy marriage life ? part 2


ઘણa લોકો જીવનમાં કદી સાચા અર્થમાં સુખી થઈ શકે નહીં.. કે પછી ઘણીવાર સુખી થવાની દૃષ્ટિનો અભાવ નડે છે. સુખ શેમાં છે એની સમજ જ નથી હોતી... પરિણામે આવી વ્યક્તિઓ પોતે તો દુઃખી થાય છે અને પોતાની સાથે સંકળાયેલ અન્ય લોકોને પણ દુઃખી કરતાં રહે છે


જીવનમાં મોટેભાગે સુખ ક્યારેક ગેરહાજર નથી હોતું. અને છતાં અગણિત લોકો દુઃખી થતા જોવા મળે છે. કેમ કે એમને સુખી થવું છે. પરંતુ સુખી થતાં આવડતું નથી હોતું. એને અન્યની સરખામણી કરીને સુખી થવું છે. એના સુખ કે દુઃખનો આધાર અન્ય વ્યક્તિ ઉપર રહેલો હોય છે. એમનું મન સતત બીજાઓ સાથે.. સગા- સંબંધીઓ સાથે, મિત્રો સાથે કે પડોશીઓ સાથે સરખામણી કરતું રહે છે. એમની પાસે જે હોય તે જો પોતાની પાસે ન હોય તો દુઃખી દુઃખી થઈ જતાં હોય છે. અને પોતાની પાસે જે છે તેનો આનંદ ભૂલીને જે નથી એનો અફસોસ કરતાં રહે છે. આવા લોકો જીવનમાં કદી સાચા અર્થમાં સુખી થઈ શકે નહીં.. કે પછી ઘણીવાર સુખી થવાની દૃષ્ટિનો અભાવ નડે છે. સુખ શેમાં છે એની સમજ જ નથી હોતી... પરિણામે આવી વ્યક્તિઓ પોતે તો દુઃખી થાય છે અને પોતાની સાથે સંકળાયેલ અન્ય લોકોને પણ દુઃખી કરતાં રહે છે.


જેને લીધે સંબંધોમાં તિરાડ પડે છે. સંબંધનો સેતુ નબળો પડતો જાય છે. આજે આવી જ કોઈ વાત...
અનેરી પરણીને સાસરી આવી. નિશિથ ભણેલો હતો, સંસ્કારી હતો. ઘરમાં બધાનો સ્વભાવ સારો હતો. બહુ શ્રીમંત નહીં સાવ સાધારણ પણ નહીં એવી આર્થિક સ્થિતિ હતી. ઘરમાં ફક્ત સાસુ જ હતાં. એક બહેન હતી જે સાસરે હતી અને સુખી હતી. આમ અનેરીને કોઈ પ્રોબ્લેમ નહોતો. પરંતુ અનેરીનો હાથ છૂટો હતો. તેને હરવા-ફરવાનો, પિક્ચરનો, હોટેલમાં ખાવા જવાનો ખૂબ શોખ હતો. પિયરમાં સાધારાણ સ્થિતિ અને નાના ગામને લીધે એના શોખ ક્યારેય પૂરા નહોતા થયા.


અહીં મોટા શહેરમાં આવીને એના સપના આભને આંબવા લાગ્યા. દર રવિવારે પિક્ચર જોવાનો અને બહાર હોટેલમાં જવાનો જાણે તેણે નિયમ બનાવી લીધો હતો. શરૂઆતમાં તો નિશિથ પણ ખાસ કોઈ વિરોધ કરતો નહીં. અને પત્નીની બધી હોંશ પૂરી કરતો. ચાર છ મહિના તો બધું ચાલ્યું. પણ પછી નિશિથના પગારમાં હમેશાં આ શક્ય બને તેમ નહોતું. અને આમ પણ નિશિથને બહાર ખાવાની આદત નહોતી. હમેશાં ઘરનું ખાવાનું જ તે પસંદ કરતો અને પિક્ચર ટી.વીમાં ક્યાં નથી જોવાતા? એવા ખોટા ખર્ચા આમ પણ પોસાય તેમ નહોતા જ. ભવિષ્યમાં બાળકો થાય ત્યારે બચત હશે તો જ તેમને સારી રીતે ઉછેરી શકાશે. એવા વિચારને લીધે હવે તેણે દર રવિવારે બહાર જવાની ના પાડી દીધી.

અનેરીને ખૂબ ખરાબ લાગ્યું. નિશિથ તેને કંજૂસ લાગ્યો. તેના મનમાં એક અસંતોષ રહેવા લાગ્યો અને એ અસંતોષ જુદાં સ્વરૂપે બહાર આવવા લાગ્યો. ઘરમાં રોજ એક કે બીજા કારણસર ઝઘડા થવા લાગ્યા. નાની નાની વાતમાં અનેરી ઉશ્કેરાતી રહેતી. નિશિથે તેને પાસે બેસાડીને પ્રેમથી સમજાવવાનો પ્રયત્ન પણ કરી જોયો. પરંતુ અનેરીની સમજણના દરવાજા જાણે બંધ થઈ ગયા હતાં. સાસુનો સ્વભાવ શાંત હતો. અને વહુ દીકરાની વાતમાં વચ્ચે કદી માથું મારતા નહીં.
આવતાં અઠવાડિયે તેમની લગ્નની વર્ષગાંઠ આવતી હતી. અનેરીને મોટી પાર્ટી રાખવાનું બહુ મન હતું. ખાસ કરીને પોતાની બહેનપણી માન્યા જે આ જ શહેરમાં હતી એની પર અને સગાઓમાં વટ પડી જવો જોઈએ. નિશિથે કહ્યું કે એટલા બધા પૈસાની સગવડ થાય તેમ નથી. બહુ થાય તો બે ચાર મિત્રોને ઘેર બોલાવીએ જમવા માટે. પણ અનેરીને એનાથી સંતોષ થાય એમ નહોતો. બંને વચ્ચે ઝઘડો ચાલ્યો.

પછેડી હોય એવડી જ સોડ તણાય. ખોટા દેખાડા કરવાની કોઈ જરૂર નથી. નિશિથ એના વિચારમાં મક્કમ હતો. એને થયું પોતે જો આમ જ પત્નીની જીદ માનતો રહેશે તો અનેરી ક્યારેય સમજશે નહીં. અને તેની આદત સુધરશે નહીં. એમ માની તે પણ મક્કમ રહ્યો. વાત તો સાવ નાની હતી પણ હવે સવાલ આવ્યો વટનો. વાત વટે ચડી ગઈ. અનેરીએ નિશિથ સાથે કામ સિવાય બોલવાનું બંધ કર્યું. પતિ- પત્ની વચ્ચે મૌનની દીવાલ ઊભી થઈ. ભારેલો અગ્નિ મનમાં લઈ બંને ધૂંધવાતા રહ્યા. એનીવર્સરીનો દિવસ એમ જ પસાર થઈ ગયો. નિશિથ બહાર જમવા જવાની કે પિક્ચરમાં જવાની વાત કરી જોઈ. સમાધાન કરવાનો પ્રયત્ન કરી જોયો. પણ અનેરીએ મચક આપી નહીં. કોઈ જરૂર નથી. પૈસા બચશે એટલા પૈસા પણ શા માટે વાપરવા જોઈએ? અનેરીનો ગુસ્સો એમ જાય તેમ નહોતો. અંતે થાકીના નિશિથે પણ પ્રયત્ન પડતો મૂક્યો.

એનીવર્સરીનો દિવસ એમ જ કશું કર્યાં સિવાય પસાર થઈ ગયો. બંને વચ્ચે અંતર વધતું ચાલ્યું. બંને મનમાં ધૂંધવાતા રહ્યા. સંબંધમાં તિરાડ પડવાની શરૂઆત થઈ ચૂકી હતી. ત્યાં અનેરીની બહેનપણી માન્યા તેને ઘેર આવી ચડી. માન્યાને જોઈ અનેરી ખુશ થઈ ઊઠી. ઘણાં સમય બાદ બંને બહેનપણીઓ મળી હતી. જૂની વાતો થતી રહી અચાનક કંઈક યાદ આવતાં અનેરીએ કહ્યું.
માન્યા, તમારા લગ્નની વરસગાંઠ ગયા મહિને જ હતી.. બરાબરને? મને યાદ પણ ન કરી. મને તો હતું કે પાર્ટીમાં મને જરૂર બોલાવીશ... તું તો એટલામાંથી પણ ગઈ.

અરે... બાબા... પાર્ટી રાખી હોય તો બોલાવું ને?

ઉલ્લું ન બનાવ... તારે ક્યાં પૈસાની ખોટ છે કે તમે પાર્ટી ન રાખી હોય? બાય ધ વે... કઈ હોટેલમાં રાખી હતી પાર્ટી?
 અરે... ખરેખર અમે કોઈ પાર્ટી રાખી જ નહોતી...
એટલે તમે શું તમારી પહેલી એનીવર્સરી ઉજવી જ નહોતી. એમ કહેવા માગે છે તું?
એમ તો કેમ કહી શકાય? ચોક્કસ ઉજવી હતી. પણ ચીલાચાલુ રીતે નહીં... અમારી રીતે... માન્યાએ કહ્યું.
‘અમારી રીતે એટલે? તમારી વળી કોઈ જુદી રીત છે?’

‘હા... હું ને અનિશ અમે બંને અમારા ઘરના ગાર્ડનમાં બેસીને સાંજના ઝાંખા અંધકારમાં સાથે કેન્ડલ લાઈટ ડિનર લીધું હતું. અનિશ કહે, આ સાંજ તો આપણા બંનેની એકલાની.. એમાં આજે કોઈ બીજું ન જોઈએ. એણે ખાસ રજા લીધી હતી. અને અમે બંને કહેતાં માન્યાના ચહેરા પર સ્મિતની લહેરખી ફરી વળી. અમારી એ સ્પેશિયલ સાંજ... સ્પેશિયલ દિવસ હતો અનેરી. એ દિવસની મજા જ કંઈક ઓર હતી.. પાર્ટી રાખી હોત તો બધા વચ્ચે અમે બંને તો અમારું એકાંત માણી જ ન શકત. આને આમ પણ અનિશ કહે છે. આપણે લગ્ન કર્યાં છે. એમાં કંઈ અલગ કે અસામાન્ય કામ નથી કર્યું. બસ... આ આપણો દિવસ છે અને આપણે એ આપણી રીતે સેલીબ્રેટ કરીશું. અને પછી ઘણીવાત થતી રહી. સાંજે માન્યા તો ગઈ પરંતુ અનેરી વિચારમાં પડી ગઈ. એક ચીનગારી પ્રગટી ચૂકી હતી. પોતે ક્યાંક કોઈ ભૂલ તો નથી કરી રહીને? સાવ નાની વાતને મોટું સ્વરૂપ આપીને પોતાના પગ ઉપર જાતે કુહાડો નથી મારતી ને?

અને દૃષ્ટિ બદલાતા... વિચારો આપોઆપ બદલાઈ જ જાય ને?

બે દિવસ પછી રવિવાર આવતો હતો. પત્નીને મનાવવાના હેતુથી સમાધાન થઈ શકે એ માટે આજે નિશિથે સામેથી અનેરીને કહ્યું.
‘આજે આપણે તારી ફેવરીટ હોટેલમાં ડિનર લેવા જઈશું?’

જો કે તેને ડર હતો કે અનેરીનો ગુસ્સો હજુ શમ્યો નથી એથી સરખો જવાબ નહીં જ મળે. પણ તેના આશ્ચર્ય વચ્ચે અનેરીએ હસીને જવાબ આપ્યો.
‘ના... આજે નો હોટેલ... આજે તારી પસંદની ડીશ બનાવી છે તને રગડો પેટીલ બહુ ભાવે છે ને? આજે આપણે બંને હીંચકા પર બેસીને સાથે ખાશું...’
અને તે સાંજે અબોલાના વાદળો વિખેરાઈ ગયા ને નવા વિચાર... નવી સમજણની ક્ષિતિજના પ્રકાશમાં રગડા પેટિસની જે મજા બંનેએ સાથે મળીને માણી... એ કંઈક અલગ જ હતી..

સંબંધનો સેતુ તૂટતા બચી ગયો હતો. અને એક નવજીવન... સહજીવન ફરીથી પાંગરી ઊઠયું હતું. આનંદ ફક્ત પાર્ટી, પિક્ચર.. કે હોટેલમાં જ નથી એ સિવાય પણ આનંદ મેળવવાના અનેક રસ્તાઓ ખુલ્લા હોય જ છે ને? એ તરફ પણ કદી નજર નાખીશું? તો જીવનમાં કોઈ અભાવ... કોઈ ફરિયાદ નહીં રહી. અને સંબંધોમાં સ્નેહની ઉષ્મા આપોઆપ પ્રગટી રહેશે.

No comments: