સહજીવનના ઘણા પ્રશ્નો સાથીઓની ફિલસુફી,
વિચારસરણી કે અભિગમ સાથે સંકળાયેલા હોય છે
અમારે બંનેને અંગત રીતે કોઈ પ્રશ્ન જ નથી. એકબીજા સાથે ખૂબ નજદીક છીએ, એકબીજા માટે ખૂબ લાગણી પણ છે પરંતુ જે ઝગડા થાય છે બાળકોને કારણે જ થાય છે. એમણે બાળકોને વધારે પડતી છૂટ આપી રાખી છે.' પત્નીએ વ્યથા ઠાલવવાની શરૃઆત કરી.
'પણ આજકાલના બાળકોને અમુક સ્વતંત્રતા તો આપવી પડે ને?! જાતે કરશે તો વિકાસ થશે.' પતિએ સમજાવટની અદાથી કહ્યું.
'તે આલો, પણ પછી તમારા મા-બાપ જ્યારે અને ત્યારે કહેતા ફરે છે કે માએ કંઈ શિસ્ત જેવું કંઈ શિખવ્યું નથી તો એ હવે હું નહિ સાંભળું, કહી દઉં છું.' આ પ્રશ્નને એ ક્યારેય સમજી જ નહિ શકે તેવો કાયમનો દબાયેલો આક્રોશ પત્નીએ વ્યક્ત કર્યો.
'બસ સાહેબ આ જ પ્રોબ્લેમ, શરૃ બાળકોથી થાય અને અટકે મારા મા-બાપ પર જઈને! આ તો તમે સામે છો એટલે અહીંથી પતશે બાકી તો આખું સરવૈયું કાઢે, જૂનું જૂનું એવું કાઢે કે મને તો યાદ પણ ના હોય!' પતિએ જાણે મને આડકતરો ઈશારો આપ્યો કે હવે કંઈ બોલો નહીંતર આ સરવૈયું કાઢશે.
સામાન્ય છે, તમારા માટે ના પણ હોય, પરંતુ મારા માટે આવી રજુઆતો સામાન્ય છે. ઘણા યુગલોના જીવનમાં આપણે અગાઉ ચર્ચા કરી એવા 'કોમ્પેટેબીલીટી', 'ઈન્ટીમસી' કે 'કોમ્યુનીકેશન'ના પ્રશ્નો કરતા આવા રોજીંદા સહજીવનના પ્રશ્નો તેમના સંબંધોમાં વધુ સમસ્યાઓ ઊભી કરતા હોય છે અથવા ક્યારેક વણસેલા સંબંધોને વધુ વણસાવતા હોય છે. આવા પ્રશ્નોના મૂળમાં સાથીઓની સહજીવનમાં અવારનવાર ઊભી થતી કેટલીક અનિવાર્ય રોજીંદી બાબતો પ્રત્યેની ફિલસુફી, વિચારસરણી અને અભિગમ વગેરેમાં રહેલી વિષમતાઓ જવાબદાર હોય છે. આ બાબતોમાં ખાસ કરીને બાળકોનો ઉછેર, ઘર ચલાવવા માટે જરૃરી બાબતો, પૈસા અને ખર્ચાઓનું આયોજન, સાસરિયાઓ પરત્વેનો વ્યવહાર, શોખ અને ગમતી પ્રવૃત્તિમાં રહેલી વિષમતાઓ, એકબીજાના મિત્રો તરફનો અભિગમ વગેરેનો સમાવેશ કરી શકાય. સહજીવનમાં લગભગ રોજે રોજ આ બાબતો વત્તે-ઓછે અંશે આડી આવતી રહેતી હોય છે અને બંને સાથીઓની તે અંગેની ફિલસુફી, વિચારસરણી અને અભિગમના આધારે તેમાંથી સમસ્યા જન્મ લેશે કે નહિ તે નક્કી થતું હોય છે.
બાળકોનો ઉછેર સહિયારી જવાબદારી છે. યુગલોએ તેની સાથે સંકળાયેલી તમામ બાબતોએ સહમત હોવું જરૃરી છે અને બાળકોના હિતને પ્રાથમિકતા આપીને તે માટે જરૃરી સમાધાનોની તૈયારી બંને પક્ષે હોવી જોઈએ. બાકી બાળકોને લગતા નાના-મોટા પ્રશ્નો પ્રત્યે જો મતભેદો હશે તો તેનો સૌથી વધુ લાભ તમારું બાળક જ ઉઠાવશે. તેમને બરાબર ખબર હોય છે કે કોણ તેમની તરફેણમાં છે કોણ વિરોધમાં, તરફેણ કરે તેની પાસે માંગણીઓ કરવાની અને વિરોધ કરનાર પ્રત્યે તરફેણ કરવાવાળું કેટલું સારું છે તેના ગુણગાન ગાઈને અણગમો વ્યક્ત કરવાનો. સરવાળે, માબાપને લડાઈ મારવાના, તો ક્યારેક મા-બાપ જાતે જ લડી મરે!
આવો જ મુદ્દો કે ઘર ચલાવવા માટે જરૃરી નાની મોટી બાબતોનો, દા.ત. એકનું માનવું એમ છે કે જેમ જરૃર પડે તેમ વસ્તુઓ લાવવી અને બીજાનું માનવું એમ છે કે 'સ્ટોક' કરી રાખવો... સરવાળે ઘર્ષણ આવું જ પૈસા અને ખર્ચાનું, એક ને કપડા પાછળનો ખર્ચો વ્યર્થ લાગતો હોય તો બીજાને સાધનો પાછળનો... સરવાળે ઘર્ષણ. એકને શેરબજારનું રોકાણ શ્રેષ્ઠ લાગતું હોય અને બીજાને એ સટોડિયાવૃત્તિ લાગતી હોય. સરવાળે ઘર્ષણ. શોખ અને પ્રવૃત્તિઓનું પણ એવું જ છે, એકને આઈપીએલનો શોખ અને બીજાને સીરીયલો... સરવાળે ઘર્ષણ. આ તો હું શું કહેવા માંગું છું તેના સાવ નજીવા ઉદાહરણો છે, બાકી અસંખ્યા બાબતો હોઈ શકે છે.
એકબીજાના માતા-પિતા અને કુટુંબીઓ પ્રત્યેનો આદરભાવ અને વ્યવહાર પણ રોજીંદા જીવનની અગત્યની બાબત છે. નાની મોટી બાબતોમાં કે લાગ આવે ત્યારે એકબીજાના કુટુંબીઓને ભાંડતા રહીને સુખ-શાંતિમય સહજીવનની અપેક્ષાઓ ના રાખી શકાય. પોતાનું અંગત બધાને કહી આવવું. બધાને ખબર હોય અને જીવનસાથીને કંઈ ખબર જ ના હોય, સહજીવનની નાનીનાની બાબતોની ફરિયાદો બધાને કરી આવવી વગેરે ઝીણું-ઝીમું સંબંધોની મજબૂતાઈમાં અગત્યનું છે. આવી જ વાત મિત્રોની પણ છે. એકબીજાના મિત્રો પ્રત્યેનું સાથીઓનું વલણ અને સાથીની સરખામણીએ મિત્રોનું વધુ પડતું મહત્વ પણ ક્યારેક મોટા પ્રશ્નો ઊભા કરે છે.
ટૂંકમાં, જોડે જીવતા હોઈએ ત્યારે એવી અનેક બાબતો આવે કે જેમાં મતભેદો હોઈ શકે. એ બાબતો અંગે બંને સાથીઓની માન્યતા, ફિલસુફી, વિચારધારા, લાગણીઓ કે અભિગમ અલગ હોઈ શકે. પરંતુ, સુખ-શાંતિભર્યું મજબૂત સહજીવન જો તમારી પ્રાથમિક્તા હોય તો આવા મતભેદો અંગે ખુલ્લા મને, અંગત રીતે જરૃરી ચર્ચાઓ કરીને સમાધાનકારી વલણ અપનાવવું પડે તેમાં કોઈ બે મત નથી.






















































