Thursday, May 9, 2013

how to live a very happy marriage life ? part 4


પતિ-પત્ની વચ્ચેના સુમધુર સંબંધો સુરક્ષિત, સલામત અને

અકબંધ સચવાઈ રહે, તે માટે બન્ને તરફથી શું સજાગતા રાખવી ?


પતિ' શબ્દનો એક અર્થ છે કોઈ વસ્તુનો સ્વામી કે માલિક. જેમકે ગૃહપતિ, શાસક તેનો બીજો અર્થ છે, સ્ત્રી સંદર્ભે તે પુરુષ જેની સાથે સ્ત્રીનું લગ્ન થયું હોય. બૃહદ્ હિન્દી શબ્દકોશમાં પર્યાયવાચી શબ્દકોશ વિભાગમાં 'પતિ'ના પર્યાયવાચી અનેક શબ્દો આપવામાં આવ્યા છે. જેમકે 'કાન્ત', ગૃહસ્વામી, નાથ, પ્રિય, પ્રીતમ, પ્રાણવલ્લભ, પ્રાણેશ્વર, બાલમ, ભર્તા, શૌહર, સજન, સહચર, સાજન, સૈયાં, હૃદયેશ, વગેરે આવા જ પર્યાયવાચી શબ્દો 'પત્ની' વિશે પણ મળે છેઃ જેમકે અર્ધ્ધાંગિની, કાન્તા, કલત્ર, ગૃહસ્વામિની, ગૃહિણી, જાયા, જીવનસંગિની તિરિયા, જોરૃ, દયિતા, ધર્મપત્ની, પ્રાણવલ્લભા, પ્રાણેશ્વરી, પ્રિયા, સજની, સહગામિની, સહધર્મિણી, સ્ત્રી 'ભગવદ્ ગોમંડલ'માં જણાવ્યા અનુસાર શાસ્ત્રોક્ષ વિધિથી વિવાહિત પુરુષને 'પતિ' કહેવામાં આવે છે. 'પતિ'ના પાંચ પ્રકારો ગણાવવામાં આવ્યા છે. તે મુજબ અનુકૂળ, દક્ષિણ, ધૃષ્ટ, અને શઠ, આ ઉપરાંત પાંચમો પ્રકાર તે અનભિસ. એક જ સ્ત્રી ઉપર પૂર્ણપણે અનુરક્ત રહેનાર અને બીજી કોઈ સ્ત્રીની ઈચ્છા પણ નહીં કરનારને 'અનુકૂળ' પતિ કહે છે. અનેક સ્ત્રીઓ કરનાર પણ બધી ઉપર સરખી પ્રીતિ રાખનાર અથવા અનેક સ્ત્રીઓના સમાન પ્રીતિપાત્રને 'દક્ષિણ' પતિ કહે છે. તિરસ્કાર તથા અપમાન સહન કરીને પણ પોતાનું કામ ચલાવે અને મનમાં લજ્જા કે માન ન લાવે તે 'ધૃષ્ટ' પતિ, અને છળકપટમાં નિપુણ અથવા વચનચાતુરીથી કે જૂઠ્ઠું બોલીને કામ ચલાવે, તે 'શઠ' પતિ કહેવાય છે. પાંચમો પ્રકાર તે 'અનભિજ્ઞા' પતિ હાવભાવ અને પ્રણયચેષ્ટાઓનો અર્થ નહીં સમજનાર તે અનભિજ્ઞા 'પતિ'. આને મળતી બાબતો સ્ત્રીઓને-પત્નીને પણ લાગૂ પડી શકે.

પણ 'સ્ત્રી ગૌરવ', 'સ્ત્રી-દાક્ષિણ્ય' અને 'પ્રસન્ન દામ્પત્ય'ના સંદર્ભમાં પરંપરાગત વિચારોને ઝાઝું મહત્ત્વ ન અપાય. કોઈ પણ સ્ત્રી કે કોઈ પણ પુરુષ પૂર્ણ ન હોઈ શકે, પણ પ્રસન્ન દામ્પત્ય માટે પાયાની વસ્તુને પરસ્પર પ્રત્યેની વિશુદ્ધ પ્રીતિ, નિર્મળ લાગણી, સુખી થવા માટે થોડુંક જતું કરવાની તૈયારી, ક્ષમાભાવ, અહંકારનો ત્યાગ, અધિકાર પ્રિયતાને બદલે અનુકૂલન.
જીવન જીવવું એ પણ એક મહાન કલા છે અને દામ્પત્યને મધુરતા બક્ષવી એ પણ એક અનુપમ કલા છે. દામ્પત્યમાં પ્રેમ એ કેન્દ્રીય ભાવના છે. પ્રસન્નતાની શોધ અને પ્રસનનતા અર્પણ કરવાની બિનશરતી તૈયારી એનું નામ જ પ્રેમ. એટલે જ કહેવાય છે કે જ્યાં પ્રેમ છે, ત્યાં ક્ષેમ છે. પ્રેમ એ વીજળી જેવો છે અને તેથી સ્ત્રી-પુરુષ પરસ્પર તરફ આકર્ષાય છે પણ એવું આકર્ષણ ઊંડી સમજ, ગાંભીર્ય, વફાદારી, નિશ્છલતા અને સ્વયંસ્વીકૃત સહિષ્ણુતાથી વિભૂષિત બને ત્યારે પ્રેમમાં ઈજ્જત અને લિજ્જત બન્ને પ્રગટે છે. જ્યાં આપવાનો દંભ અને અહંકાર ન હોય, અને પ્રિય પાત્રને પ્રસન્ન રાખવાની ઉત્કટ, અભિલાષા હોય ત્યાં પ્રેમના શ્રેષ્ઠ રૃપનું પ્રાગટય થાય છે. દુનિયામાં સૌથી અઘરું વાક્ય 'આઈ લવ યુ' કહેવાનું છે, કારણ કે પ્રેમ એ શબ્દનો નહીં પણ અનુભૂતિનો વિષય છે. એને ફિલ્મી સ્ટાઈલથી 'વરવું' નહીં પણ અંતઃકરણનાં અમીથી સિંચીને ગરવું રૃપ આપી શકાય. પ્રેમ એ રાગ છે, અનુરાગ છે, આસક્તિ પણ છે, પણ એમાં મોહાંધતાને સ્થાન નથી. મોહાંધતામાં કામુકતા કે વાસનાની પ્રધાનતા છે, જે પ્રેમપંથ માટે બાધક બને છે. પ્રેમ પંથને એટલે જ 'પાવકની જ્વાળા' તુલ્ય કહેવામાં આવે છે કે તેમાં પ્રેમને કારણે આફતો, મુશ્કેલીઓ, અગ્નિપરીક્ષા સહન કરવામાં પણ પ્રેમીજનને આનંદ આપે છે.


બૃહદારણ્યક ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે તેમ 'તેણે' એટલે કે બ્રહ્મે પોતાના શરીરને બે ભાગોમાં વિભક્ત કરી દીધું, તેમાંથી પતિ અને પત્ની ઉત્પન્ન થયાં. અથર્વવેદમાં પુરુષને 'સામ' (ગીત) સ્વરૃપ અને પત્નીને 'ઋચા' રૃપ તથા પુરુષને 'દ્યૌ' એટલે કે 'આકાશ' રૃપ અને પત્નીને 'પૃથ્વી' રૃપા વર્ણવવામાં આવી છે. પુરુષમાં આકાશની જેમ 'વિશાળતા' અપેક્ષિત છે, જેથી એ પત્નીનો કેવળ દોષદર્શી ન બને અને પત્નીમાં પૃથ્વી જેવી સહિષ્ણુતા ઉપકારક બની શકે, જેથી ઘર-ગૃહસ્થી સ્વસ્થ અને સ્વચ્છ રહે. પત્ની પતિની આશ્રિતા નથી, કર્તવ્યરક્ષિકા છે, એટલે મનુ સ્મૃતિના મંતવ્ય મુજબ ''પોતાની પત્નીની પ્રયત્નપૂર્વક રક્ષા કરીને માણસ પોતાના સંતાન, ચારિત્ર્ય, કુળ, પોતાની જાત તથા ધર્મને સુરક્ષિત રાખી શકે છે.''

'સંબંધ' એટલે સાચી રીતે, સારી રીતે બંધાવું. પણ સાચો સંબંધ માણસને 'બાંધતો' નથી, મુક્ત રાખે છે. પતિ કે પત્નીની અધિકારપ્રિયતા દામ્પત્યમાં જાતજાતનાં વિઘ્નો અને બંધનો સર્જે છે. એટલે દામ્પત્યમાં પતિ કે પત્ની એકબીજાને ગૌરવપૂર્ણ રીતે મુક્ત રાખી શકે તેટલા અંશે પ્રેમ વધુ મજબૂત બને, આત્મીયતામાં ઉમેરણ થાય અને પરસ્પર પ્રત્યે આદરભાવ પ્રગટે. શ્રધ્ધાને બદલે શંકા, વિશ્વાસને બદલે અવિશ્વાસ, વફાદારીને બદલે સ્વચ્છંદતા અને સહિષ્ણુતા અને જતું કરવાની ભાવનાને બદલે 'હિસાબ' માગવાની વૃત્તિ દામ્પત્યમાં પ્રવેશે ત્યારે દામ્પત્ય દૂષિત બને છે. પતિ-પત્ની સાથે રહે એટલે 'બે વાસણ ખખડવાની પરિસ્થિતિ' ન જ સર્જાય એ શક્ય નથી, પણ કલહ 'વિવાદ' કેન્દ્રિત બને ત્યારે બન્નેમાંથી કોઈ નમતું જોખવા તૈયાર થતું નથી. એટલે દામ્પત્યને રૃડું રાખવા માટે 'વિવાદ'ને બદલે 'સંવાદ' લક્ષી બનાવવું જોઈએ. 'સંવાદ'થી ગેરસમજની દીવાલો આપોઆપ ધરાશાયી થાય છે અને આનંદ તથા પ્રેમમાં વૃદ્ધિ થાય છે. બન્ને પૈકી કોણ નમે ? - એવો અહંકાર સંબંધનો નિર્ણાયક બને, ત્યારે સંબંધની રેશમી દોરીમાં ગાંઠ પડે છે. એટલે અનુકૂળ થવા માટે, સમાધાન સાધવા માટે, જતું કરવા માટે જે પહેલ કરે તે દામ્પત્યમાં મહાન ગણાય.

'પતિ' કે 'પત્ની'માં માલિકીનો ભાવ પ્રગટે ત્યાં 'ઉષ્મા'ને બદલે અધિકાર મહત્ત્વનો બની જાય છે. એટલે જ ત્યાગ ભાવનાને દામ્પત્યનો પ્રાણવાયુ કહેવામાં આવે છે. એટલે પતિ-પત્નીના સંબંધમાં મધુરતા અને સુદ્રઢતા માટે 'સ્વામિત્વ'ની ભાવના નહીં પણ 'સખ્ય' એટલે મૈત્રીભાવનાનો વિકાસ થવો જોઈએ. એવા મૈત્રી ભાવમાં વાણીની મધુરતા હોય, સહયોગની ભાવના હોય, સહિષ્ણુતા અને ક્ષમાભાવ હોય, દોષ શોધવાની વૃત્તિનો અભાવ હોય. જ્યાં શુદ્ધ પ્રેમ છે ત્યાં કશું અસંભવ નથી. જ્યાં ભય હોય છે, ત્યાં પ્રીતિ હોતી નથી. પ્રેમ એટલે ભાર વગરનું જીવતર. પતિ-પત્નીનો સંબંધ જેટલો ભારમુક્ત તેટલો હાર-મુક્ત. મુન્શી પ્રેમચંદે પ્રેમ વિશે સરસ વાત કરી છેઃ ''પ્રેમ એ 'આગિયા'નો ઝબકારો નથી, પણ દીપકનો સ્થાયી પ્રકાશ છે.''

એટલે જ કહેવાયું છે કે પ્રેમ કરો, પછી બધું જ કરો. મતલબ કે જ્યાં સાચો પ્રેમ હશે ત્યાં અનુચિત વાણી, વર્તન કે વ્યવહારને અવકાશ રહેશે નહીં. જો સંબંધને મધુર, ચિરંજીવી અને અકબંધ કે અતૂટ રાખવો હોય તો તમારી બુદ્ધિ અને હૃદયનું શાસન તમારા હાથમાં રાખવાને બદલે જીવનમાં સમ્રાટ રૃપે પ્રેમદેવતાનું શાસન સ્વીકારી લો. પ્રેમ કદી તૂટતો નથી અને તૂટે તેવો સંબંધ પ્રેમ કહેડાવવાને લાયક નથી!
'જિગર' મુરાદાબાદીએ સાચું જ કહ્યું છે -
''નિગાહેં મુહબ્બત દિખાતી હૈ સબકુછ
ન તુમ દેખતે હો, ન હમ દેખતે હૈં.''

No comments: